ભારત આવતા અંજુએ આપ્યું ચોકાવનારું નિવેદન : કહ્યું, અરવિંદને છૂટાછેડા આપી બાળકોને પાકિસ્તાન લઈ જઈશ

December 02, 2023

પંજાબ પોલીસ અને આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા પૂછપરછ દરમિયાન અંજુએ ભારત પરત ફરવાનું કારણ જણાવ્યું અને કહ્યું હતું કે તે પહેલા તેના પતિ અરવિંદને છૂટાછેડા આપશે અને પછી બાળકોને પોતાની સાથે પાકિસ્તાન લઈ જવાનો પ્રયાસ કરશે. પંજાબમાં સુરક્ષા એજન્સીઓની પૂછપરછ બાદ અંજુને અમૃતસરથી દિલ્હી જવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ અંજુ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. જ્યારે મીડિયાએ ત્યાં સવાલો પૂછ્યા તો અંજુએ કહ્યું હતું કે તે તમામ સવાલોના જવાબ આપશે પરંતુ અત્યારે નહીં.

લગ્ન કરીને પાકિસ્તાનથી પરત ફરેલી અંજુએ તેના પતિ અરવિંદ અને બાળકો તેમજ પિતાને મળવાની ના પાડી દીધી છે. અંજુના બે બાળકો તેમના પિતા સાથે રાજસ્થાનના ભિવડીમાં રહે છે જ્યારે પિતા ગયા પ્રસાદ ગ્વાલિયરમાં રહે છે. અંજુના પરિવારના તમામ સભ્યો અંજુથી નારાજ છે, તેઓ વાત કરવા માંગતા નથી.

તમને જણાવી દઈએ કે ગઈકાલે ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ અરવિંદના ફ્લેટ પર પહોંચી હતી અને અરવિંદની સાથે બંને બાળકો સાથે વાત કરી હતી. આ મામલે ભીવાડીના એડિશનલ એસપી દીપક સૈનીએ કહ્યું હતું કે અંજુ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદન પણ નોંધ્યા છે.