બાંગ્લાદેશમાં વધુ એક પૂજારીની ધરપકડ, હિન્દુઓમાં ભારે આક્રોશ

November 30, 2024

ઢાંકા : બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાંવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતાં. કોઈપણ સત્તાવાર વોરંટ સિવાય ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, 'બીજા એક બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચટગાંવ પોલીસે ધરપકડ કરી લીધી.' બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો હતો.