મુન્નાભાઈ થ્રી બની રહી હોવાનો સંજય દત્તનો વધુ એક સંકેત

October 04, 2023

મુંબઈ : સંજય દત્ત અને અર્શદ વર્સીની મુન્નાભાઈ સીરીઝનો ત્રીજો ભાગ બની રહ્યો હોવાનો વધુ એક સંકેત સંજય દત્તે આપ્યો છે. તેની એક સોશિયલ મીડિયા પોસ્ટના આધારે આ અટકળો થઈ રહી છે. સંજય દત્તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મ 'બારવી ફેઈલ'ને શુભેચ્છા પાઠવી હતી અને તેની સાથે સાથે જણાવ્યું હતું કે હવે તે મુન્નાભાઈની પ્રતીક્ષામાં છે. સંજય દત્તની આ પોસ્ટના આધારે ચાહકો એવી અટકળ વ્યક્ત કરી રહ્યા છે કે 'મુન્નાભાઈ એમબીબીએસ' તથા 'લગે રહો મુન્નાભાઈ' પછી હવે આ સીરીઝની ત્રીજી ફિલ્મ આવી શકે છે. થોડા સમય પહેલાં સંજય દત્ત અને અર્શદ વર્સીી મુન્નાભાઈ અને સર્કિટના ગેટ અપમાં રાજકુમાર હિરાણી સાથે જોવા મળ્યા હતા. તે પરથી પણ આ ફિલ્મના ત્રીજા ભાગ વિશે અટકળો શરુ થઈ હતી. જોકે, થોડા દિવસો પછી સ્પષ્ટ થયું હતું કે તે ત્રણેય વાસ્તવમાં એક એડ કેમ્પેઈન માટે એકઠા થયા હતા. આ પહેલાં અર્શદ વર્સીએ એક ઈન્ટરવ્યૂમાં એવી નિરાશા વ્યક્ત કરી હતી કે મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મ એ એક એવી ફિલ્મ છે જે લોકો જોવા ઈચ્છે છે, સર્જકો બનાવવા ઈચ્છે છે , કલાકારો કામ કરવા ઈચ્છે છે અને તે છતાં પણ આ ફિલ્મ કેમ નથી બનતી એ બહુ મોટો સવાલ છે.