દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સાંજ સુધીમાં અંતિમ ચરણમાં, 6.50 લાખ યાત્રિકો નોંધાયા

November 14, 2024

ગિરનારની લીલી પરિક્રમા વિધિવત કરતા દોઢ દિવસ વહેલી એટલે તા. 11ના વહેલી સવારથી શરૂ થઈ હતી. આ ત્રણ દિવસ દરમ્યાન બુધવાર રાત સુધીમાં નળપાણીની ઘોડી ખાતે 6.50 લાખ જેટલા યાત્રિકો નોંધાયા હતા. સાંજે પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થઈ હતી અને બીજા પડાવ માળવેલા ખાતે  યાત્રિકો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે  ગુરૂવાર સાંજ અથવા રાત સુધીમાં પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચશે.

ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે મંગળવારના મધ્યરાત્રિથી શરૂ થઇ હતી. રાત્રે બાર વાગ્યે બંદૂકના ભડાકા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ દિવસ પૂર્વે એટલે કે તા. 11ના વહેલી સવારથી પરિક્રમા પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. આથી બુધવારના ગણ્યા ગાંઠયા લોકોએ જ પરિક્રમા શરૂ કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ પ્રકૃતિના ખોળે મજા માણી પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બુધવાર રાત સુધીમાં વનતંત્રના ગણતરી પોઇન્ટ પર 6.50 લાખ લોકો નોંધાયા હતા.

બુધવાર રાત સુધીમાં પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થવા લાગી હતી. જ્યારે મઢી, બીજા પડાવ માળવેલા અને નળપાણી ઘોડી વચ્ચે ખાતે બુધવાર રાત સુધીમાં એકાદ લાખ લોકો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રાત્રે અંતિમ પડાવ બોરદેવી ખાતે દોઢ બે લાખ લોકો હતા. ગુરૂવાર બપોર સુધીમાં બોરદેવી રોકાણ કરનાર લોકો ભવનાથ તળેટી પહોચી જશે. આમ, દોઢ દિવસ વહેલી પૂર્ણ થયેલી પરિક્રમા ગુરૂવાર સાંજ સુધીમાં અંતિમ ચરણમાં પહોંચી જશે.