મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પની યુક્રેનને ઓફર

July 16, 2025

વોશિંગ્ટન/કીવ/મોસ્કો : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દઈશ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને છ મહિના થવા આવ્યા છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ નથી થયું. રશિયન પ્રમુખ પુતિન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંઠતા નથી. જેથી હવે ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને ૧૦૦ ટકા ટેરિફની સાથે સેકન્ડરી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ યુક્રેનને મોસ્કો પર હુમલા કરે તો અમેરિકાના હથિયારો પૂરા પાડવાની ઓફર કરી છે. ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયાએ અમેરિકા પર પલટવાર કરતા કહ્યું કે, અમે પ્રતિબંધોથી ડરતા નથી. અમે મજબૂતીથી સામનો કરીશું.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ૫૦ દિવસમાં યુક્રેન સાથે શાંતિ સમજૂતી ના કરે અને યુદ્ધ ચાલુ રાખશે તો રશિયા ઉપર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથે મંત્રણા દરમિયાન પ્રમુખ ટ્રમ્પે આ ચેતવણી આપી હતી. આ જ સમયે યુક્રેન અને રશિયા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ રાજદૂત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. 
પ્રમુખ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા ઇચ્છા દર્શાવી હતી અને રશિયાને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી હતી. સાથે ટ્રમ્પે રશિયાને સેકન્ડરી ટેરિફની પણ ધમકી આપી હતી. એટલે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ નાંખવામાં આવશે.
ભારત અને ચીન સહિતના દેશો રશિયા પાસેથી નીચી કિંમતે ક્રૂડ ખરીદે છે ત્યારે ટ્રમ્પે આ દેશો પર પણ વધારાનો ટેરિફ નાંખવાની ધમકી આપી છે. અમેરિકાએ અગાઉ પણ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ટેરિફની ધમકી આપી હતી, પરંતુ ભારતે દરેક વખતે દેશહિતની વાત કરીને અમેરિકન ધમકીની અવગણના કરી હતી.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયા અને યુક્રેન યુદ્ધ મુદ્દે ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથે મંત્રણા કરી હતી. આ સમયે તેમણે રશિયાને ટેરિફ નાંખવાની ધમકી આપવાની સાથે યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ આપવાની પણ ઓફર કરી હતી. વધુમાં ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ખાનગી ફોનકોલ કરીને ઓફર કરી કે અમેરિકા તમને લાંબા અંતરના હથિયાર આપશે, તમે મોસ્કો પર હુમલા કરો. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સવાલ કર્યો કે શું તમે મોસ્કો પર હુમલા કરી શકો છો? શું તમે સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા કરી શકો છો? જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ચોક્કસ, તમે અમને હથિયાર આપો તો અમે હુમલા કરી શકીશું. મીડિયા અવેહાલો મુજબ બંને નેતાઓ વચ્ચે આ વાતચીત ૪ જુલાઈએ થઈ હતી. ટ્રમ્પની આ વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના તેમના વચનથી એકદમ અલગ યુદ્ધને વધુ ઉશ્કેરવા સમાન છે. યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં અમેરિકન હથિયારોની મદદને આવકારી હતી, પરંતુ યુદ્ધ બંધ કરવા માટે પ્રમુખ ટ્રમ્પે રશિયાને ૫૦ દિવસનો આપેલો સમય ખૂબ જ લાંબો ગણાવ્યો હતો.