અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નોન વેજ મિલ્ક' શું છે ? ભારત કહે છે ‘નો એન્ટ્રી'

July 16, 2025

ન્યૂયોર્ક : અમેરિકા ઘણા સમયથી પોતાના ડેરી સેક્ટરને ભારતમાં એન્ટ્રી મળે તેવો પ્રયાસ કરી રહયું છે પરંતુ ભારત તેના માટે તૈયાર નથી કારણ કે ભારતમાં ખેતી અને પશુપાલન ગ્રામીણ અર્થતંત્રની કરોડરજજુ સમાન છે. આ ઉપરાંત ભારત માટે કેટલીક સાંસ્કૃતિક ચિંતાઓ સતાવે છે જેમાં નોન વેજ મિલ્કનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં ગાયોને એવા પ્રોડકટ્સ ખવડાવવામાં આવે છે જેમાં માંસ હોય છે. ગાયોને સૂઅર, માછલી, મરઘી, ઘોડા, બિલાડી અને કુતરા સહિતનું માંસ ખવડાવવામાં આવે છે. આ માંસ પ્રોટિન,લોહીમાં વધારો થાય તથા જાનવરોનો ઝડપી વિકાસ થાય તે માટે આપવામાં આવે છે.  ગાયને જે પણ ફૂડ આપવામાં આવે છે જેમાં જાનવરોના માંસના અવશેષો હોય છે. ભારતમાં પશુપાલનમાં દૂધ માટે માંસ ખવડાવવુંએ અત્યંત ઘૃણાજનક છે આથી અમેરિકાની ડેરી પ્રોડકટને નોન વેજ મિલ્ક કહેવામાં આવે છે. આ નોન વેજ મિલ્ક ભારતના લોકોની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાને ઠેસ પહોંચાડે છે. અમેરિકા ઘણા સમયથી એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડકટ માટે ભારતને મોટું બજાર સમજે છે આથી ડેરી પ્રોડકટ માટે ભારત દરવાજો ખોલે તેવું ઇચ્છે છે.જો કે નોન વેજ મિલ્ક એક એવો મુદ્વો છે જેમાં ભારત કોઇ સમાધાન કરી શકે તેમ નથી. ભારત કોઇ પણ ભોગે તેના ડેરી વપરાશકર્તાઓના હક્કોનું રક્ષણ કરવા માંગે છે. નિષ્ણાતોનું માનવું છે કે નોન વેજ મિલ્ક ઉપરાંત નાના અને સિમાંત પશુપાલકો સ્પર્ધા કરી શકે તેમ નથી. ભારતમાં દૂધ ઉત્પાદન અને વપરાશનું જે માળખું ગોઠવાયેલું છે તેમાંથી પ્રત્યક્ષક કે પરોક્ષ રીતે કરોડો લોકોને રોજગાર મળી રહયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ડેરી સેક્ટર આર્થિક સધ્ધરતા રોજગારી માટે ખૂબજ મહત્વનું છે.