ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન

September 19, 2023

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના વિવાદમાં અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા આવી છે અને કહ્યું છે કે તે કેનેડાના ભારત પરના આરોપોથી ચિંતિત છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ મામલાને લઈને ચાલી રહેલી તપાસમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને ઓસ્ટ્રેલિયા ખુબ જ ચિંતિત છે. ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ. અમે આ મામલે અમારા સહયોગીયોના સંપર્કમાં છીએ. અમે ભારતના ટોચના અધિકારીઓને અમારી ચિંતા જણાવી છે. આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે સમજીએ છીએ કે આવા રિપોટ્સ ઘણા ઓસ્ટ્રેલિયન સમુદાયો સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય ખુબ જ મુલ્યવાન છે અને અમારા બહુસાંસ્કૃતિક સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

આ મામલે બ્રિટને પણ તેની પ્રતિક્રિયા આપી છે. બ્રિટિશ સરકારના પ્રવક્તાએ કહ્યું કે કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે ત્યારે બ્રિટન હાલ તેના કેનેડાના સહયોગી સાથે સંપર્કમાં છે. પ્રવકતાએ વધુમાં કહ્યું હતું કે કેનેડાના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને અત્યારે આ મામલે કોઈપણ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.