Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

વલસાડમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં ઉમરગામમાં 35 ઈંચ વરસાદ, તમામ કારખાના-ઔદ્યોગિક એકમ બંધ

July 23, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે આજે (23મી જુલાઈ) માત્ર બે કલાકમાં ઉમરગામમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આજે (23મી જુલાઈ) સવારે 4થી 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, ઉમરગામમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.56 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતના ઉમરપાડામાં 4.41 ઈંચ, વલસાડના પારડીમાં 3.82 ઈંચ, વલસાડ તાલુકામાં 3.35 ઈંચ, નાનાપોંઢામાં 3.27 ઈંચ, કપરાડામાં 2.76 ઈંચ અને ધરમપુરમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પણ અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.