રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટા ઉલટફેર, ઝેલેન્સ્કીએ યુલિયાને સોંપ્યું PM પદ

July 15, 2025

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર થયો છે. રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કીએ ડેપ્યુટી પીએમ યુલિયા સ્વિરિડેન્કોને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. યુલિયાએ તેમના બોસ ડેનિસ શ્મિહાલની જગ્યા લીધી છે. ડેનિસ 2020 માં વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા અને યુદ્ધ દરમિયાન છેલ્લા 3 વર્ષથી આ પદ પર કાર્યરત હતા. યુરો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે 14 જુલાઈ, સોમવારે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વોલ્ડોમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન પદ માટે યુલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. પીએમએ કહ્યું કે, અમે એક્ઝિક્યુટિવ પોસ્ટ્સમાં ફેરફાર શરૂ કરી દીધા છે. આવનારા સમયમાં તેની અસર જોવા મળશે. 39 વર્ષીય યુલિયાને ઝેલેન્સ્કીની ખાસ નજીકની માનવામાં આવે છે. યુલિયાએ અર્થશાસ્ત્રમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2008માં, યુલિયાએ કિવ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. યુલિયા યુક્રેનમાં અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતી છે. યુલિયા વર્ષ 2020 માં રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે જોડાઈ હતી. ઝેલેન્સકીએ તેમને અમેરિકા સાથે ખનિજ સોદાઓ પર વાત કરવા માટે પણ અધિકૃત કર્યા હતા. યુલિયાએ આ કામ ખૂબ જ સારી રીતે નીભાવ્યું હતું. વર્ષ 2021 માં યુલિયાને ડેપ્યુટી પીએમ પદની ખુરશી મળી હતી. 
કેમ યુલિયાને પીએમ પદ આપવામાં આવ્યું 
1. રશિયા સાથેના યુદ્ધને કારણે સરકારના કાર્યપાલિકામાં ફેરબદલ થઈ શક્યો નહીં. ડેનિસને હટાવવા માટે ઝેલેન્સકીને નવો ઉમેદવાર ન મળ્યો. યુલિયા આ મામલે ફીટ બેસતી હતી. કારણ કે એક તો યુલિયા યુક્રેનના ડેપ્યુટી પીએમ હતા. બીજું, તેમના હાથ પણ સાફ રહ્યા છે. તેથી જ ઝેલેન્સકીએ યુલિયાને પીએમ પદ સોંપ્યું છે.
2. રશિયાના હુમલાને કારણે યુક્રેન બેકફૂટ પર છે. તેને તાત્કાલિક અમેરિકન સહયોગની જરૂર છે. અમેરિકા સહયોગની વાત કરી રહ્યું છે, પરંતુ તેની અસર જમીન પર દેખાતી નથી. યુલિયા દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઝેલેન્સકીએ યુલિયાને નોમિનેટ કર્યા છે, પરંતુ તેમના નામને મંજૂરી મેળવવા માટે યુક્રેનિયન સંસદની મંજૂરી જરૂરી છે. સંસદની એક બેઠક યોજાઈ શકે છે જેમાં યુલિયાના નામને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે. પીએમની ખુરશી સંભાળ્યા બાદ યુલિયાનો પહેલો પ્રયાસ અમેરિકા સાથે બગડતા સંબંધોને સુધારવાનો રહેશે. હાલમાં અમેરિકામાં યુક્રેનનો કોઈ રાજદૂત નથી. તેમની નિમણૂકમાં પણ યુલિયાની ભૂમિકા રહેશે.