શુભાંશુ શુક્લાની પૃથ્વી પર વાપસી, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ કેલિફોર્નિયામાં ઉતર્યું ડ્રેગનયાન

July 15, 2025

ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ થઈ છે. તેઓએ કેલિફોર્નિયા તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ મારફત ઉતરાણ કર્યું છે. શુભાંશુ શુક્લાનું બપોરે 3.1 વાગ્યે સફળતાપર્વક પૃથ્વી પર કમબેક ભારત માટે ગર્વની પળ બની છે. ડ્રેગન 27,000 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાયુમંડળમાં પ્રવેશ્યું હતું. જ્યાં ગરમી અને ઘર્ષણના કારણે તેનું તાપમાન 1600 સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જેના લીધે થોડા સમય માટે કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટ્યો હતો. વાયુમંડળમાંથી બહાર નીકળ્યા બાદ નાના-મોટા પેરાશૂટ ખોલ્યા હતાં. જેની મદદથી ડ્રેગન કેપ્સૂલને મહાસાગરમાં સુરક્ષિત ઉતાર્યું હતું.  જ્યાં ઉપસ્થિત રિકવરી ટીમ હોડી અને હેલિકોપ્ટર સાથે તૈયાર હતાં. તેઓ શુભાંશુ અને તેની ટીમને તુરંત મેડિકલ તપાસ માટે લઈ ગયાં. લેન્ડિંગ બાદ શુભાંશુ અને તેની ટીમ 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. જેથી તેમના સ્વાસ્થ્યની તપાસ અને અંતરિક્ષની અસરોમાંથી બહાર સામાન્ય વાતાવરણને અનુકૂળ બની શકે. તેમની વાપસી ભારત માટે ગર્વની પળ બની છે.