સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ

July 15, 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની ભલામણ બાદ સરકારના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હવે રાજ્યસભાના સભ્યપદ લેવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે એક ઇન્ટરવ્યૂમાં પોતાના કાયદાકીય કારકિર્દી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈમાં થયેલા બ્લાસ્ટ સાથે જોડાયેલી વાતો પણ કહી હતી. તેમણે સંજય દત્ત વિશે પણ દાવો કર્યો હતો. ઉજ્જવલ નિકમે કહ્યું કે, 'જો અભિનેતા સંજય દત્તે હથિયારોથી ભરેલા વાહન વિશે માહિતી આપી હોત તો મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ ટાળી શકાયા હોત. 1993માં દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં થયેલા બ્લાસ્ટમાં 267 લોકો માર્યા ગયા હતા.

એક ઇન્ટરવ્યૂમાં નિકમે કહ્યું, 'હું ફક્ત એક વાત કહેવા માંગુ છું. સિરિયલ બ્લાસ્ટ 12 માર્ચે થયો હતો. તેના એક દિવસ પહેલા, એક વાન સંજય દત્તના ઘરે પહોંચી હતી. તેમાં હથિયારો, હેન્ડ ગ્રેનેડ, AK 47 ભરેલી હતી. અબુ સાલેમ તે લાવ્યો હતો. સંજયે કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂકો ઉપાડી હતી. તે પછી, તેણે બધું પાછું આપ્યું અને ફક્ત એક AK 47 રાખી. જો તેણે તે સમયે પોલીસને જાણ કરી હોત, તો પોલીસે તપાસ કરી હોત અને મુંબઈમાં બ્લાસ્ટ ક્યારેય ન થયા હોત.' 

ઉજ્જવલ નિકમે કહ્યું કે, 'સંજય દત્ત તે સમયે નિર્દોષ હતો અને તેણે હથિયાર રાખ્યું હતું કારણ કે તેને બંદૂકોનો શોખ હતો. કાયદાની નજરમાં, તેણે ગુનો કર્યો હતો. પરંતુ તે એક સરળ માણસ છે... હું તેને નિર્દોષ માનું છું. મેં સંજય દત્તના વકીલને પણ કહ્યું હતું કે AK-47 ક્યારેય ગોળીબાર નથી કર્યો, તેમજ પ્રતિબંધિત હથિયાર પાસે હોવું એક વાત હતી. પરંતુ પોલીસને જાણ કરવી એ જ બ્લાસ્ટનું કારણ બન્યું અને ઘણા લોકો મૃત્યુ પામ્યા.