હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત

July 15, 2025

હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ધર્મશાલામાં સોમવારે સાંજે એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેરાગ્લાઈડર ક્રેશ થતાં ગુજરાતના અમદાવાદના 25 વર્ષના પર્યટકનું મોત નીપજ્યું હતું. ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. કાંગરાના એએસપી હિતેશ લખનપાલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ટેકઑફ દરમિયાન બની હતી, જ્યારે ગ્લાઈટર હવામાં ઉડી શક્યુ ન હતું. થોડી જ દૂર જતાં તે પર્યટકને લઈને જમીન પર પડ્યું હતું. પર્યટક સતિષ રાજેશભાઈ અને પાયલટ સુરજ ઘાયલ થયા હતાં. સતિષને માથા, મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થઈ હતી. તેને ધર્મશાલાના ઝોનલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટાંડા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. જ્યારે પાયલટ સુરજની કાંગડાના બાલાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સતિષના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારજનોને સોંપવામાં આવશે. ઈન્દ્રુનાગમાં છેલ્લા છ મહિનામાં બીજી વાર પેરાગ્લાઈડિંગ દુર્ઘટના બની છે. જાન્યુઆરીમાં પેરાગ્લાઈડર ક્રેશ થતાં 19 વર્ષીય ભાવસાર ખુશીનું મોત થયુ હતું. તે પણ અમદાવાદની જ રહેવાસી હતી. ટેકઑફ વખતે ખુશીનું પેરાગ્લાઈડર ક્રેશ થયુ હતું. વિસ્તારના એએસપીએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસ ચાલુ છે, સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન થયુ છે કેમ તેની તપાસ હાથ ધરી છે. કાંગડાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવાએ આખા જિલ્લામાં 15 સપ્ટેમ્બર સુધી પેરાગ્લાઈડિંગ પર રોક મૂકી છે.