રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન

July 15, 2025

 લખનઉની એમપી-એમએલએ કોર્ટમાં આજે રાહુલ ગાંધીના એક કેસ મામલો સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે તેમને મોટી રાહત આપી છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના વિશે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે તેમને જામીન આપી દીધા છે.

રાહુલ ગાંધી સુનાવણી માટે અગાઉ પાંચ વખત હાજર થયા ન હતા. તેમને આજે કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક હતી. આજે તેઓ પોતે કોર્ટ પહોંચ્યા હતા અને સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ તેમના વકીલની જામીન અરજીને કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે રાહુલને 20-20 હજાર રૂપિયાની જામીન ભરવા આદેશ આપ્યો અને પછી તેમને છોડી મુક્યા છે.

વાસ્તવમાં રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના મામલે વાંધાજનક નિવેદન કર્યું હતું, જેના કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી કહ્યું હતું કે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ વગેરે વિશે પૂછશે. પરંતુ તેઓ ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવા,  અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ પ્રશ્ન પૂછશે નહીં. ભારતીય પ્રેસ આ મામલે એક પણ પ્રશ્ન પૂછતું નથી. શું તે સાચું નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવું ડોળ ન કરો કે લોકોને ખબર નથી.'