બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

July 15, 2025

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે (14મી જુલાઈ) કર્ણાટકના શિવમોગામાં દેશના બીજા સૌથી લાંબા કેબલ-સ્ટેડ સિગંદૂર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના કેબિનેટ સાથીઓએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે 'નીતિન ગડકરીએ અમને આમંત્રણ આપ્યું નહતું.' કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર પર પ્રોટોકોલનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્રમાં દાવો કર્યો હતો કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્ય સરકારની સલાહ લીધા વિના શિવમોગાના સાગરા તાલુકામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને કોઈપણ પૂર્વ સૂચના વગર આમંત્રણ કાર્ડ પર તેમનું નામ લખાયું હતું. અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટમાં લખ્યું કે, 'સીએમ સિદ્ધારમૈયાને 11મી જુલાઈના રોજ યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંબંધિત કોઈપણ સંભવિત પડકારને ધ્યાનમાં રાખીને, 12મી જુલાઈના રોજ બીજો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ માધ્યમ દ્વારા તેમની હાજરીની અપીલ કરવામાં આવી હતી.' મીડિયા સાથેની વાતચીતમાં સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'અમે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા નથી, કારણ કે મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મેં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ફોન પર વાત કરી અને તેમને આ વિશે જાણ કરી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ મુલતવી રાખશે. પછી મેં તેમને પત્ર લખ્યો. કદાચ ભાજપના નેતાઓના દબાણને કારણે તેમણે  મને કંઈપણ કહ્યા વિના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું નથી જઈ રહ્યો. મારો એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ છે. જે કાર્યક્રમ એક મહિના પહેલા નક્કી કરવામાં આવ્યો હતો, હું ત્યાં જઈ રહ્યો છું.'