બગડેલા સંબંધો સુધારવા યુનુસની 'મેંગો-ડિપ્લોમસી' પી.એમ. મોદી સહિત મહત્ત્વના લોકોને કેરી મોકલી

July 15, 2025

ઢાકા : ભારત સાથે સંબંધો બગડયા હોવા છતાં બાંગ્લાદેશની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ૧,૦૦૦ કી.ગ્રા. જેટલી બાંગ્લાદેશની પ્રખ્યાત હરિભંગા કેરી વડાપ્રધાન તથા અન્ય ઉચ્ચ વ્યક્તિઓ તેમજ પૂર્વોત્તર ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓને મોકલી આપી છે. આ હરિભંગા પ્રકારની કેરી બાંગ્લાદેશ તથા ભારતમાં પણ બહુ જ લોકપ્રિય છે. તેનો સ્વાદ પણ શ્રેષ્ઠ હોય છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેંગો ડિપ્લોમસી કૈં નવી નથી. પહેલાં પણ બાંગ્લાદેશની સરકાર આ હરિભંગા પ્રકારની કેરી અન્ય દેશોમાં પણ મોકલાવી રહી છે. આ કેરી સદ્ભાવનાના પ્રતિકરૂપે મોકલવામાં આવે છે. પહેલાં શેખ હસીના સરકાર હતી ત્યારે ભારત-બાંગ્લાદેશના સંબંધો ઘણા સારા હતા. પરંતુ ગતવર્ષે શેખ હસીના પદભ્રષ્ટ કરાયાં અને નવી વચગાળાની સરકાર આવી તેના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ બન્યા. તે પછી ત્યાં હિન્દુઓ સહિત અન્ય લઘુમતિઓ ઉપર થતાં જુલ્મોને લીધે બંને દેશો વચ્ચે સંબંધો ઘણા જ તંગ બની ગયા છે. તે વચ્ચે મોહમ્મદ યુનુસે હાથ ધરેલી આ ''મેંગો-ડીપ્લોમસી'' ઉલ્લેખનીય બની રહી છે. સાથે તે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. બાંગ્લાદેશની ''હીલ્સા માછલી'' પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ઘણી જ લોકપ્રિય છે. બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાં તેની નિકાસ બંધ કરી હતી. તે પાછી શરૂ કરવામાં આવી છે. આમ મેંગો-ડીપ્લોમસી અને ફિશ-એક્સપોર્ટ દ્વારા મોહમ્મદ યુનુસ સરકાર ભારત સાથે સંબંધો સુધારવા માગે છે. તેનું એક કારણ તે પણ હોઈ શકે કે ચીનથી તેને મોહભંગ થઈ ગયો હશે. નહીં તો એક સમય સમગ્ર પૂર્વોત્તર રાજ્યો પર કબજો જમાવવા ચીનને આમંત્રણ આપનારા મોહમ્મદ યુનુસ પૂર્વોત્તરનાં રાજ્યોનાં મુખ્ય મંત્રીઓને આ બહુમૂલ્ય 'હરિભંગા' કેરી શા માટે મોકલે ? તેવો પ્રશ્ન વિશ્લેષકો પૂછે છે.