ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ

January 28, 2025

નીતિશ કુમાર પછી તે વ્યક્તિનું નામ નિશાંત કુમાર છે જેની બિહારના રાજકારણમાં આ દિવસોમાં સૌથી વધુ ચર્ચા નીતિશ કુમાર બાદ તેમના પુત્ર નિશાંત કુમારની જ થઇ રહી છે. નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશને લઈને રાજકીય બજાર ગરમ છે. એવી ચર્ચા છે કે નીતિશ કુમાર પોતાના પુત્રને પોતાનો રાજકીય ઉત્તરાધિકારી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિશાંત કુમાર હોળી પછી સક્રિય રાજકારણમાં જોડાઈ શકે તેવી સંભાવનાઓ છે. 8 જાન્યુઆરીએ નિશાંત કુમાર તેમના પિતા સાથે સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓના અનાવરણ કાર્યક્રમ માટે તેમના વતન ગામમાં આવ્યા હતા. જ્યાં તેમણે પહેલીવાર મીડિયા સાથે વાત કરતા રાજકીય નિવેદન પણ આપ્યું હતું.  નિશાંત કુમારે જનતાને વિધાનસભા ચૂંટણીમાં પિતાને સમર્થન આપવાની અપીલ કરતા કહ્યું હતું કે, 'નવા વર્ષમાં ચૂંટણી છે તો લોકોએ મારા પિતા  અને તેમની પાર્ટીને મત આપવો જોઈએ અને તમે તેમને સરકારમાં પાછા લાવીને સારું કામ કરશો.' અહીંથી તેમના રાજકારણમાં પ્રવેશની અટકળોએ જોર પકડ્યું હતું. રાજકીય વર્તુળોમાં એવી પણ વાતો થઇ રહી છે કે બદલાતા સમયની સાથે નીતિશ કુમાર પોતાનો રાજકીય વારસો સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ ભાજપ છે. બિહારમાં ભાજપની વધતી શક્તિથી પરેશાન નીતિશ કુમાર JDUના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક સાહસિક પગલું ભરવા માંગે છે. જેથી બિહારમાં  સરકાર બનાવવાનું ભાજપનું સપનું એક સપનું જ રહી જાય. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ રાજનીતિમાં પણ પરિવારવાદ નવી વાત નથી. ઉત્તર પ્રદેશ અને બિહારના યાદવ પરિવારોથી માંડીને મહારાષ્ટ્રના ઠાકરે પરિવાર સુધી, પ્રાદેશિક પક્ષો તેમનું સાતત્ય જાળવવા માટે પરિવારના નેતૃત્ત્વ પર આધાર રાખે છે. આથી તેઓ કૌટુંબિક ઉત્તરાધિકારને જ પ્રાધાન્ય આપે છે. અત્યાર સુધી નીતિશ કુમાર આને ટાળતા રહ્યા છે. પરંતુ જ્યારથી નિશાંત કુમારનું નામ સામે આવ્યું છે, ચર્ચા થઈ રહી છે કે હવે વધુ એક પરિવાર રાજકીય વારસા તરફ આગળ વધી રહ્યો છે. જો કે હજુ સુધી મુખ્યમંત્રી દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.