ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ: દારૂ ભરેલી ગાડી રોકવા જતાં PSIનું મોત, ટ્રેલરે મારી ટક્કર

November 05, 2024

સુરેન્દ્રનગર  : હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે નામ માત્રના ડ્રાય સ્ટેટ તરીકે ઓળખતા ગુજરાતમાં બૂટલેગરો બેખૌફ અને બિન્દાસ બન્યા છે. દરરોજ લાખોનો દારૂ અને નશીલા પદાર્થો પકડાય છે. પરંતુ તેના કરતાં વધુ ઘૂસણખોરી થાય છે.

આ ઉપરાંત અવાર નવાર પોલીસ પર હુમલા થતાં હોવાના પણ સમાચાર સામે આવે છે. ત્યારે ગઇકાલે (સોમવારે) મોડી રાત્રે સુરેન્દ્રનગર દસાડા નજીક દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન ટ્રેલરે ટક્કર મારતાં પી.એસ.આઇને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પી.એસ.આઇ જે.એમ. પઠાણ અને બે કોન્સ્ટેબલની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ગાડી નિકળવાની છે.  જેથી તેઓ પોતાને ટીમ સાથે રાત્રે 2:30 વાગ્યા આસપાસ વોચ ગોઠવીને  દારૂ ભરેલી કારને પકડવા નિકળ્યા હતા. આ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઇ ટક્કર મારી હતી.