બ્રિટને આખરે માની જ લીધું કે, કોહિનુર હીરો ભારતથી 'જબરદસ્તી' લેવાયો હતો

June 05, 2023

બ્રિટનના રાજવી પરિવારે સ્વીકાર્યું છે કે કોહિનૂર હીરાને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાંથી લીધો હતો. મહારાજા દિલીપ સિંહને તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. બ્રિટનના ટાવર ઓફ લંડનમાં રોયલ ઝવેરાતનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લાહોર સંધિ હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનૂર સોંપવાની શરત મૂકવામાં આવી હતી.

બકિંગહામ પેલેસના રોયલ કલેક્શન ટ્રસ્ટની મંજૂરી બાદ પ્રદર્શનમાં આ લખવામાં આવ્યું છે. હકીકતમાં, ટાવર ઓફ લંડનના પ્રદર્શનમાં પ્રથમ વખત કોહિનૂર સહિત અનેક કિંમતી હીરા અને ઝવેરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ઘણા વીડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા કોહિનૂરનો ઈતિહાસ પણ જણાવવામાં આવી રહ્યો છે. કોહિનૂરને વિજયના પ્રતિક તરીકે પ્રદર્શનમાં રાખવામાં આવ્યો છે.

ક્રાઉન જ્વેલ્સ એક્ઝિબિશનમાં કોહિનૂર પરની એક ફિલ્મ પણ બતાવવામાં આવી છે. આમાં તેનો સમગ્ર ઇતિહાસ ગ્રાફિક મેપ દ્વારા બતાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ હીરાને ગોલકોંડાની ખાણોમાંથી કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પછી મહારાજા દિલીપ સિંહ એક તસવીરમાં તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપતા જોવા મળે છે.