કેનેડાએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે સહિત 4 અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા

January 11, 2023

નવી દિલ્હી : કેનેડાની સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના ભાઈ મહિન્દા રાજપક્ષે સહિત શ્રીલંકાના ચાર રાજ્ય અધિકારીઓ સામે નાગરિક સંઘર્ષમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બદલ પ્રતિબંધો લાદ્યા છે. રાજપક્ષે ભાઈઓની સાથે સાથે સ્ટાફ સાર્જન્ટ સુનીલ રત્નાયકે અને લેફ્ટનન્ટ કમાન્ડર ચંદના પી હેટ્ટિયારાચિથે પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, દેશે શ્રીલંકામાં નાગરિક સંઘર્ષ દરમિયાન માનવ અધિકારોના ઘોર ઉલ્લંઘન માટે જવાબદાર શ્રીલંકાના ચાર રાજ્ય અધિકારીઓ સામે સ્પેશિયલ ઈકોનોમિક મેઝર્સ અધિનિયમ હેઠળ પ્રતિબંધો લાદ્યા છે.

વિદેશ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું કે, કેનેડા 1983થી 2009 સુધી ચાલેલા શ્રીલંકાના નાગરિક સંઘર્ષ દરમિયાન માનવાધિકારનું ગંભીર અને વ્યવસ્થિત ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે પ્રતિબંધો લાદી રહ્યું છે. 

તેમાં કહેવામાં આવ્યુ કે, સ્પેશિયલ ઈકોનોમિક મેઝર્સ (શ્રીલંકા) રેગ્યુલેશન્સ, સૂચિબદ્ધ વ્યક્તિઓને સંપત્તિ સાથે સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવા અથવા તેમને નાણાકીય અથવા સંબંધિત સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધિત લગાવે છે. શિડ્યુલ ટુ ધ રેગ્યુલેશન્સમાં સૂચિબદ્ધ વ્યક્તિઓને ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ કેનેડા માટે અસ્વીકાર્ય ગણવામાં આવે છે.