કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે, ટ્રુડો સરકારની બજેટમાં જાહેરાત

April 18, 2024

નેડાની જસ્ટિન ટ્રુડો સરકારે મંગળવારે વાર્ષિક બજેટ રજૂ કર્યુ છે. જેમાં મુસ્લિમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી એક જોગવાઈની સામે કેનેડાના નાગરિકોના એક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ટ્રુડો સરકારે બજેટમાં હલાલ મોર્ગેજ એટલે કે હલાલ લોન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેની પાછળનો આશય કેનેડાના મુસ્લિમ સમુદાય પર વિશેષ ધ્યાન આપવાનો છે. સાથે સાથે સરકારે બજેટમાં વિદેશીઓ માટે દેશમાં
જમીન ખરીદવા પર બે વર્ષનો પ્રતિબંધ મુકવાની પણ જાહેરાત કરી છે.

સરકારના હલાલ મોર્ગેજના નિર્ણયની કેનેડામાં ચર્ચા છે.હલાલ મોર્ગેજ ઈસ્લામિક પરંપરાનો ભાગ છે. જેમાં વ્યાજ વસૂલવા પર પ્રતિબંધ હોય છે. કારણકે યહૂદી અને મુસ્લિમ ધર્મમાં વ્યાજખોરીને પાપ માનવામાં આવે છે.
ઈસ્લામિક નાણાકીય સંસ્થાઓ લોન પર વ્યાજ નથી લેતી અને ગેરંટી તરીકે પ્રોપર્ટી મોર્ગેજ કરાવે છે. આ રીતે લેવાયેલી લોન હલાલ મોર્ગેજ તરીકે ઓળખાય છે. આ લોન લેનાર વ્યક્તિ લોન ચૂકવે તે પછી પોતાની ગીરવે
મુકેલી પ્રોપર્ટી પાછી મેળવી શકે છે.

હાલમાં કેનેડામાં કાર્યરત પાંચ મોટી બેન્કો પૈકી એક પણ હલાલ  લોન આપતી નથી. ટ્રુડો સરકારે હવે હલાલ મોર્ગેજની બજેટમાં જાહેરાત કરી છે અને તેના કારણે આ બેન્કો પણ વ્યાજ વગર લોન આપે તેવી શક્યતા છે. જોકે
આર્થિક જાણકારોના મતે હલાલ મોર્ગેજને સંપૂર્ણપણે વ્યાજ મુકત રાખવી શક્ય નથી. લોન પર બેન્કો વ્યાજ નહીં તો રેગ્યુલર ફી લે તેવી શક્યતા છે.

કેનેડામાં એક વર્ગ એવો છે જેમને હલાલ મોર્ગેજની જોગવાઈ પસંદ આવી નથી. આવો વર્ગ ટ્રુડો સરકારના ઉપરોક્ત નિર્ણયને મુસ્લિમ સમુદાયનુ તૃષ્ટિકરણ ગણાવી રહ્યો છે.

એક નાગરિકે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો છે કે, 'હલાલ મોર્ગેજની મદદથી જે પણ પ્રોડકટસ બજારમાં આવશે તેના પર સરકાર શું અલગ ટેક્સ લાગુ કરશે? આ શું છે?'

અન્ય એક નાગરિકે મંતવ્ય વ્યક્ત કર્યુ છે કે, 'બુધ્ધિજીવી વિચારધારાનુ આ નવુ અને ખતરનાક સ્તર છે. સરકારે ધાર્મિક નિયમોના આધારે નાણાકીય ક્ષેત્રમાં નવા નિયમો લાગૂ કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં 2021ની વસતી ગણતરી પ્રમાણે 18 લાખ લોકો મુસ્લિમ છે. 2001ની સરખામણીમાં દેશમાં મુસ્લિમોની વસતી બમણી થઈ છે અને હિન્દુઓની વસતી પણ 2001ના મુકાબલે ડબલ થઈ છે. હાલમાં
કેનેડામાં 8.30 લાખ હિન્દુઓ છે.

કેનેડાના 53 ટકા લોકો ખ્રિસ્તી ધર્મનુ પાલન કરે છે. કેનેડાની કુલ વસતીના એક તૃતિયાંશ એટલે કે 1.20 કરોડ લોકોએ કહ્યુ છે કે,' અમે કોઈ ધર્મમાં માનતા નથી.'