અમે અમારા દેશની લઘુમતીઓની સાથે છે, ભલે અમુક દેશોને પસંદ ના હોય

April 12, 2024

કેનેડાની ચૂંટણીમાં અન્ય દેશોના હસ્તક્ષેપના લાગેલા આરોપ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડે ફરી એક વખત નામ લીધા વગર ભારતની સામે ઝેર ઓકયુ છે.

કેનેડાની ચૂંટણીમાં અન્ય દેશોની દખલ અંદાજીઅંગે તપાસ કરી રહેલા કમિશન સામે ઉપસ્થિત થયેલા ટ્રુડોએ છેલ્લી બે ચૂંટણીમાં કોઈપણ જાતના વિદેશી હસ્તક્ષેપના આરોપોનો ઇનકાર કર્યો હતો.
 આ પહેલા કેનેડાના મીડિયાએ આરોપ મૂક્યો હતો કે 2019 અને 2021 ની ચૂંટણીમાં જે દેશોએ દખલ અંદાજી કરી હતી તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. બીજી તરફ કેનેડા ની જાસુથી સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે આ ચૂંટણીમાં ભારતે કોઈ ભાગ ભજવ્યો હોવાનો પુરાવો નથી ઉલટાનું ચીને ચૂંટણીમાં દાખલગીરી કરી હોવાની શંકા છે. 

આમ છતાં કમિશન સામેની સુનાવણી દરમિયાન ટ્રુડો એ ભારત અને ખાલિસ્તાની આતંકી નિજ્જરના મોતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેનેડાની સરકાર કેનેડા લોકોની સુરક્ષાના મુદ્દે પ્રતિબધ્ધ છે જેમાં હરદીપસિંહ નીચેની હત્યાની ઘટનાનો પણ સમાવેશ થાય છે.

ટ્રુડોએ કન્ઝર્વેટીવ પાર્ટી પર આરોપ મુકતા કહ્યું હતું કે તે ભારત સરકારની નીતિને અનુકૂળ વલણ અપનાવી રહી છે. પરંતુ મારી સરકારના સિદ્ધાંત પ્રમાણે દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ કેનેડામાં આવે છે અને સ્થાયી થાય છે તો તેની પાસે કેનેડાના નાગરિકના તમામ અધિકાર હોય છે. એ પછી તેઓ જે દેશ છોડીને આવ્યા હોય એ દેશ તેમના પર જબરજસ્તી કરી શકતો નથી. અમે આવા લોકો સાથે કેવી રીતે ઉભા રહીએ છે તે નિજ્જરની હત્યા બાદ દુનિયાએ જોયું છે. આ મુદ્દો અમે સંસદમાં ઉઠાવ્યો હતો. તે કેનેડાના લોકોના અધિકારો અને સ્વતંત્રતાની રક્ષા માટે અમારી સરકારની પ્રતિબધ્ધતાને દર્શાવે છે. અમારી સરકાર કેનેડામાં લઘુમતીના બોલવાના અધિકારની રક્ષા માટે હંમેશા તેમની પડખે રહી છે ભલે એ પછી તેઓ જે દેશમાંથી આવતા હોય એ દેશોને આ વાત ના ગમતી હોય .

કમિશન સામે સુનાવણી દરમિયાન ટ્રુડોનો ઇશારો સ્પષ્ટપણે ભારત તરફ હતો. ગત વર્ષે નિજ્જર હત્યા કેસમાં ભારતનો હાથ હોવાનો આરોપ મૂકીને ટ્રુડોએ બંને દેશો વચ્ચેના સંબંધો બગાડ્યા હતા. હજી પણ રાજદ્વારી મોરચે ભારત અને કેનેડા વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે.