મહાકુંભમાં ચક્કાજામ, હાંફી ગયું તંત્ર: ભાજપે કાર્યકર્તાઓને દોડાવ્યા

February 10, 2025

 મહાકુંભ મેળો સમાપ્તિના આરે છે. એવામાં કરોડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જેના લીધે પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. તંત્ર અને સત્તાધીશો સતત સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પ્રયાગરાજમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પોતાના કાર્યકરોને ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મદદ કરવા અપીલ કરી રહી છે.

અખિલેશે દલીલ કરી છે કે, 'લોકો પરેશાન છે, બેચેન છે અને કોઈ જવાબદાર મંત્રી કે વ્યક્તિ દેખાતા નથી. અહીં મેળાના સ્થળ પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ છે. બીજી બાજુ ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષે પોતાના કાર્યકરોને ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને ભોજન અને પાણી પહોંચાડવા નિર્દેશ આપ્યો છે.

ભાજપના મંત્રી બીએલ સંતોષે ટ્વિટ કર્યું છે કે, પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કાર્યકરો રસ્તાઓ પર ટ્રાફિક મેનેજમેન્ટ, કુંભ  યાત્રીઓને ભોજન-પાણી, મેડિકલ સંબંધિત સેવા ઉપલબ્ધ કરાવવા સત્તાધીશોની મદદ કરે. આ ટ્વિટ બાદ ઉત્તર પ્રદેશની ભાજપ એક્શનમાં આવી છે. પક્ષના કાર્યાલયથી 10 જિલ્લાના જિલ્લાધ્યક્ષોને આ અંગે નોટિફિકેશન મોકલવામાં આી છે.