'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લાદેશે ગબાર્ડના લઘુમતીઓ પર અત્યાચારના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું

March 18, 2025

ભારત પ્રવાસે આવેલા અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલી હિંસા વિરૂદ્ધ આકરો વિરોધ નોંધાવતું નિવેદન આપ્યું હતું. જેના લીધે બાંગ્લાદેશે ગબાર્ડની ટીકા કરી છે. તેમજ તેમના નિવેદનને ભ્રામક અને રાષ્ટ્રની છબિને નુકસાન પહોંચાડનારી કરાર કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ગબાર્ડના નિવેદનોને ફગાવતાં કહ્યું કે, આ નિવેદન માત્ર ભ્રામક જ નહીં, પરંતુ બાંગ્લાદેશની છબિ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા છે. બાંગ્લાદેશનું પારંપારિક ઈસ્લામ હંમેશા સમાવેશી અને શાંતિપૂર્ણ રહ્યું છે. દેશમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિરૂદ્ધ ઉલ્લેખનીય પ્રગતિ જોવા મળી છે. ગબાર્ડનું નિવેદન પાયાવિહોણું અને પુરાવા રહિત છે. તેમણે બાંગ્લાદેશની વિશ્વ સમક્ષ ખોટી છબિ રજૂ કરી છે.  બાંગ્લાદેશે આગળ કહ્યું કે, 'અમારો દેશ પણ અન્ય દેશોની જેમ ઉગ્રવાદના પડકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ તેણે અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળી કાયદાના અમલીકરણ, સામાજિક સુધારાઓ અને અન્ય આતંકવાદ વિરોધી પગલાં અપનાવવા માટે કામ કર્યું છે. અમે બાંગ્લાદેશને 'ઇસ્લામિક ખિલાફત' સાથે જોડવાના કોઈપણ પ્રયાસોની નિંદા કરીએ છીએ. ગબાર્ડને સલાહ છે કે, તે કોઈપણ સંવેદનશીલ મુદ્દાઓ પર નિવેદનો આપતાં પહેલાં ફેક્ટ ચેક કરે  અર્થાત વાસ્તવિકતા જાણે અને ખોટી અફવાઓને પ્રોત્સાહન આપતાં પહેલાં વિચારે.' તુલસી ગબાર્ડે બાંગ્લાદેશમાં હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી સહિત અન્ય લઘુમતીઓ પર લાંબા ગાળાથી દુર્ભાગ્યપૂર્ણ અત્યાચાર, હત્યા અને દુર્વ્યવહારની ટીકા કરી હતી. તેમજ વિશ્વભરમાં ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા માટે કટિબદ્ધ  અમેરિકાની સરકાર અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આ મુદ્દે ચિંતિંત હોવાનું જણાવતાં કહ્યું હતું કે,   બાંગ્લાદેશમાં "ઇસ્લામિક આતંકવાદીઓનો ખતરો" એક વિચારધારા અને હેતુમાં રહેલો છે જે "ઇસ્લામિક ખિલાફત" સાથે શાસન કરવા માંગે છે.