ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર

November 08, 2025

ભારતીય ટેસ્ટ ટીમની 'નવી દિવાલ' તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો. પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો. પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે કે, આ ઘટના 2009ની છે, જ્યારે પૂજારા હજુ ભારતીય ટીમમાં જોડાયો ન હતો અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેને શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને તે IPLમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર હતો.
પૂજારાની પત્ની પૂજાએ પુસ્તકમાં લખ્યું છે કે ઈજાના સમાચાર મળતા જ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે તરત જ જવાબદારી લીધી હતી અને પૂજારાના ઈલાજ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. ફ્રેન્ચાઇઝીએ પૂજારાની ઈજાના તમામ ખર્ચાઓ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. KKRએ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પૂજારાની તાત્કાલિક સર્જરીની વ્યવસ્થા કરી, જે તેના માટે શ્રેષ્ઠ ગણાતી હતી. પૂજારાના પિતાને ચિંતા હતી કારણ કે તેમની પાસે પાસપોર્ટ નહોતો અને તે ઇચ્છતા હતા કે તેમનો દીકરો રાજકોટ પાછો આવે. ત્યારે, શાહરૂખ ખાને પોતે તેમની સાથે વાત કરી અને ખાતરી આપી કે દક્ષિણ આફ્રિકા ઈલાજ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ત્યારબાદ, KKR મેનેજમેન્ટે પૂજારાના પિતાના પાસપોર્ટ, વિઝા અને અન્ય તમામ પ્રવાસ સંબંધિત કાગળોની સરળતાથી વ્યવસ્થા કરી અને તેમને પૂજારા પાસે કેપટાઉન મોકલી આપ્યા.