ચીનના રક્ષામંત્રી લી શાંગફુ બે અઠવાડિયાથી ગાયબ, અમેરિકાએ કર્યો આ દાવો

September 16, 2023

ચીનના રક્ષામંત્રી લી શાંગફુ ઘણા સમયથી ગુમ છે. જાપાન ખાતેના અમેરિકી રાજદૂતે ચીનના રક્ષામંત્રીના ગુમ થવાને સાર્વજનિક કર્યું હતું. હવે આ મામલે અમેરિકાના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે તેમની પાસે ચીનના રક્ષામંત્રીના ગાયબ થવાની કોઈ માહિતી નથી.

તેમણે કહ્યું હતું કે ચીનના રક્ષામંત્રી ક્યાં છે? આ આપણા માટે નહીં પરંતુ ચીન સરકાર માટે ચિંતાનો વિષય છે. અહેવાલો અનુસાર, ચીનની સરકારે ચીનના રક્ષામંત્રી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા જાપાનમાં અમેરિકી રાજદૂત રામ ઈમેન્યુઅલે કહ્યું હતું કે લી શાંગફુ 3 અઠવાડિયાથી જોવામાં નથી આવ્યા અને ન તો કોઈ નિવેદન આપવામાં આવ્યું છે. લી શાંગફુને નજરકેદમાં રાખવાની અટકળો પણ ચાલી રહી છે.

અમેરિકાનું કહેવું છે કે તેઓ ચીન સાથે વાતચીત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે અમેરિકન એમ્બેસેડર ઈમેન્યુઅલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સૌથી પહેલા ગુમ થયા હતા. આ પછી રોકેટ ફોર્સ કમાન્ડર અને હવે રક્ષા મંત્રી લી શાંગફુ બે અઠવાડિયાથી જોવા મળ્યા નથી. આ બેરોજગારીની રેસ કોણ જીતશે? ચીનનું યુવા કે જિનપિંગનું મંત્રીમંડળ?

અહેવાલો અનુસાર, રક્ષા મંત્રી છેલ્લે 29 ઓગસ્ટ 2023ના રોજ જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે ત્રીજા ચીન-આફ્રિકા પીસ એન્ડ સિક્યોરિટી ફોરમને સંબોધતા જોવા મળ્યા હતા. ચીન-આફ્રિકા ફોરમ પહેલા રક્ષામંત્રી રશિયામાં સુરક્ષા પરિષદમાં જોવા મળ્યા હતા. રશિયા સાથેની મુલાકાત દરમિયાન શાંગફૂએ અમેરિકા પર પણ નિશાન સાધ્યું હતું.