વિદેશી જહાજો માટેની જાળમાં ચીનની સબમરીન ફસાઈ, ઓક્સિજન સિસ્ટમ ફેલ, 55 નૌસૈનિકોનાં મોત

October 04, 2023

પીળા સમુદ્ર માં ઓછામાં ઓછા 55 ચીની નૌસૈનિકોના માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલ અનુસાર ચીનની એક પરમાણુ સબમરિન પીળા સમુદ્રમાં વિદેશી જહાજો માટે બનાવાયેલા જાળમાં ફસાઈ ગઈ હતી. પરમાણુ સબમરિન પીળા સમુદ્રમાં બ્રિટિશ અને અમેરિકી જહાજોને ફસાવવાના ઈરાદે બનાવાયેલા જાળમાં પોતે જ ફસાઈ ગઇ હતી. બ્રિટનના એક ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સબમરિનને એક ચેઈન અને એંકર જાળનો સામનો કરવો પડ્યો હતો. સબમરિનની ઓક્સિજન સિસ્ટમ (submarine's oxygen systems) માં ખામી સર્જાતા સબમરીન ચાલકો મૃત્યુ પામી ગયા હતા. સબમરીન સવાર નાવિકોમાંથી કોઈનો પણ જીવ બચાવી શકાયો નથી. જીવ ગુમાવનારા નેવીના અધિકારીઓમાં ચીનની પીએલએ નેવીની સબમરીન '093-417' ના કેપ્ટન અને 21 અન્ય અધિકારીઓ સામેલ છે. જોકે ચીને સત્તાવાર રીતે આ ઘટનાનો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેણે આ મામલે કોઈ આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે.  માહિતી અનુસાર ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનની નેવીના સૈનિકોના મોત સબમરીનમાં ઓક્સિજન સિસ્ટમ બગડવાને લીધે થયા હતા. એક મિશનને અંજામ આપતી વખતે સબમરીન એક દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. આ ઘટના 21 ઓગસ્ટના રોજ 8:12 વાગ્યે થઈ હતી. દુર્ઘટનામાં 55 સૈનિકોના મોત નીપજ્યા જેમાં 22 અધિકારી, સાત અધિકારી કેડેટ, 9 જૂનિયર અધિકારી અને 17 નાવિકો સામેલ હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં કેપ્ટન જૂ યોંગ પેંગ પણ સામેલ હોવાનો દાવો કરાયો છે.