અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો, કોર્ટે અરજી મંજૂર કરી

November 27, 2024

અજમેર : રાજસ્થાનના અજમેરમાં આવેલી પ્રસિદ્ધ દરગાહને હિંદુ મંદિર જાહેર કરતી અરજીને નીચલી અદાલતે સ્વીકારી છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને કહ્યું કે, આગામી 5 ડિસેમ્બરે આગળની સુનાવણી કરવામાં આવશે. હકીકતમાં હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને હિન્દુ પૂજા સ્થળ તરીકે જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.


અરજી પર બુધવારે અજમેર પશ્ચિમ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન વાદી વિષ્ણુ ગુપ્તાના દાવાની સંજ્ઞાન લેતા ન્યાયાધીશ મનમોહન ચંદેલે દરગાહ સમિતિ, લઘુમતી બાબતો અને ASIને સમન્સ નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો અને તેમને આગામી તારીખે હાજર થવા માટે જણાવ્યું હતું.


હિન્દુ સંગઠનો ઘણા સમયથી અજમેર દરગાહને મંદિર ગણાવી રહ્યા છે. વર્ષ 2022માં હિન્દુ સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ તેને મંદિર હોવાનો દાવો કરીને રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેન્દ્ર સરકારને પત્ર લખીને તેની તપાસ કરાવવા માટે કહ્યું હતું. મહારાણા પ્રતાપ સેનાના અધિકારીઓએ એક તસવીર પણ મોકલી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અજમેર દરગાહની બારીઓ પર સ્વસ્તિકના નિશાન છે. સંસ્થાના સ્થાપક રાજવર્ધન સિંહ પરમારે દાવો કર્યો હતો કે, અજમેર દરગાહ એક શિવ મંદિર હતું, જેને દરગાહ બનાવી દેવામાં આવી હતી.