NCRમાં કડકડતી ઠંડી! 6 રાજ્યમાં વરસાદની ચેતવણી

November 11, 2024

દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં ઠંડીએ પ્રવેશ કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં પણ ઠંડીએ ધીમા પગલે દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 15 નવેમ્બરથી દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. તેનાથી તાપમાનમાં ઘટાડો થશે. હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આગલા દિવસે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.

ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. હવે રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સિવાય હવામાન વિભાગે દેશના 6 રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિમાચલ પ્રદેશમાં 11 અને 12 નવેમ્બરના રોજ રાત્રે અને સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ થઈ શકે છે. પંજાબમાં પણ 11-12 નવેમ્બરના રોજ સવારે અને રાત્રિના સમયે ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજસ્થાનમાં સવાર અને રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આગામી 4 દિવસ સુધી ઝારખંડમાં સવારે ધુમ્મસ અથવા ઝાકળ છવાઈ શકે છે.