ચામોલીમાં 60 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ; મૃત્યુઆંક 8 પર પહોંચ્યો

March 03, 2025

ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાને કારણે હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 60 કલાક સુધી ચાલેલું બચાવ અભિયાન રવિવારે સાંજે સમાપ્ત થયું. આ દુર્ઘટનામાં આઠ કામદારોના મોત થયા હતા, જ્યારે 46 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત વિવિધ એજન્સીઓના 200 થી વધુ લોકો સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા હતા.

રવિવારે સાંજે ગ્લેશિયર નીચે ફસાયેલા એક મૃત મજૂરને બચાવી લેવામાં આવ્યો હતો. જે બાદ ઓપરેશન પૂર્ણ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણકારી મળતા જ સમગ્ર વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં, અવરોધિત રસ્તાઓ અને વરસાદને કારણે રાહત કાર્યમાં સમસ્યાઓ આવી હતી,

બાદમાં આધુનિક ઉપકરણોની મદદથી બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવામાં આવી હતી. ભારે હિમવર્ષા, દિવસ દરમિયાન -12 °C થી -15 °C ની અતિભારે ઠંડી અને પડકારરૂપ ભૂપ્રદેશ હોવા છતાં, બચાવ ટીમોએ સ્નિફર ડોગ્સ, હેન્ડ-હેલ્ડ થર્મલ ઇમેજર્સ અને અદ્યતન બચાવ તકનીકોનો ઉપયોગ કરીને જીવન બચાવવા માટે અથાક મહેનત કરી હતી.