કોંગ્રેસ OBCમાં ભાગલાં પડાવવા માગે છે: ઝારખંડમાં PM મોદીનું સંબોધન

November 10, 2024

રાંચી : વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા 'બટેેગેં તો કટેંગે' ના સૂત્ર પર વિવિધ પક્ષો દ્વારા વિવાદ સર્જાયો છે, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી પ્રચાર ભાષણમાં જનસભાને સંબોધિત કરતાં ફરી પાછો એકજૂટ થવાનો નારો લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ ચૂંટણી પ્રચાર રેલીના ભાગરૂપે બોકારોમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ ઝારખંડમાં ચૂંટણી પહેલાં જ મોદીએ પોતાની જીત નિશ્ચિત કરી દીધી છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ઓબીસી સમુદાયને 1990માં અનામત મળી હતી. વિવિધ ઓબીસી જાતિઓની સંખ્યાત્મક તાકાત એકજૂટ બની અને ત્યારથી આજ સુધી કોંગ્રેસ લોકસભામાં 250 બેઠકો પણ જીતી શકી નથી. તેથી કોંગ્રેસ ઓબીસીની આ સામૂહિક તાકાતને તોડવા માંગે છે અને આ તાકાતને તોડીને તે ઓબીસીને સેંકડો વિવિધ જાતિઓમાં વહેંચવા માંગે છે. સમાજ વિખેરાઈ જાય, નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય એવું કોઈ ઈચ્છતું નથી. તેથી આપણે આ હંમેશા યાદ રાખવું જોઈએ. જો આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું.