વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ

March 22, 2025

ગાઝિયાબાદ જિલ્લાના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. યતિ નરસિંહાનંદ ગિરી વિરુદ્ધ નફરત ફેલાવવા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આરોપ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. ગાઝિયાબાદના વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે ડાસના દેવી મંદિરના પૂજારી પર 'મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો અને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો, ગુનાહિત ધમકી આપવાનો, અપમાન કરવાનો, બદનામ કરવાનો અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.' ફરિયાદીએ એ પણ આરોપ લગાવ્યો છે કે, 'નરસિંહાનંદે એક વીડિયોમાં ગાઝિયાબાદ પોલીસ કમિશનર અને લોનીના સહાયક પોલીસ કમિશનર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.' ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગ્રામીણ) સુરેન્દ્ર નાથ તિવારીએ કહ્યું કે, 'શુક્રવારે વેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નરસિંહાનંદના નિવેદનો ઉશ્કેરણીજનક હતા અને તેનો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો હતો.' અધિકારીએ જણાવ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે.