અમેરિકાના લાસ વેગસના સૌથી મોટા રિસોર્ટ પર લબરમૂછિયા છોકરાઓનો સાયબર એટેક

September 19, 2023

અમેરિકાનું લાસ વેગાસ કે જે તેની નાઈટલાઈફ ખૂબ જ જાણીતું છે. આ સિટી લક્ઝરી હોટેલ્સ અને ક્રેઝી નાઈટલાઈફને કારણે લોકો માટેની મનપસંદ જગ્યામાનું એક છે. તાજેતરમાં આ સિટીમાં આ વર્ષનો અમેરિકાનો સૌથી મોટો કહી શકાય તેવો એક સાયબર એટેક થયો હતો જેના કારણે તે ચર્ચામાં છે. લાસ વેગાસની MGM રિસોર્ટ પ્રોપર્ટીઝમાં નવ દિવસ પહેલા એક મોટો સાયબર એટેક થયો જેને અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. આ એટેકની અસર સતત છ દિવસ સુધી ચાલી હતી. MGM રિસોર્ટ કે જે વિશ્વભરમાં બે ડઝનથી વધુ હોટેલ ધરાવે છે. અહીં 10 સપ્ટેમ્બરે એક સાયબર એટેક થયો જેને કારણે તેની ઓનલાઇન સિસ્ટમને અસર થઇ હતી. હોટેલની તમામ સિસ્ટમો બંધ થઇ હતી જેના કારણે અહીં રોકાયેલ અને આવતા તમામ ગેસ્ટ રઝળી પડ્યા હતા. હોટેલ રૂમની ડિજિટલ ચાવીઓથી લઈને સ્લોટ મશીનો સુધીની દરેક વસ્તુ કામ કરતી બંધ થઇ ગઈ હતી. MGM રિસોર્ટની મેઈન વેબસાઈટ પણ ડાઉન થઇ ગઈ હતી. ગેસ્ટના ચેક ઇન કરવાથી લઇ રૂમની ચાવીઓ મેળવવા ઉપરાંત સ્લોટ મશીનોમાં જીતેલી રકમ હાથે લખેલી રસીદો મેળવવા માટે કલાકો-લાંબી લાઇનોમાં રાહ જોવી પડી હતી. અહીં તમામ કાર્ય મેન્યુઅલ મોડમાં થવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. MGM રિસોર્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, સમસ્યાને ઉકેલવા માટે હોટલના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે.