અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી

May 17, 2025

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વાવાઝોડા, વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.  જોકે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. આજે 17 અને 18મે 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે.