બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું, મંજૂરી જ નહોતી આપી, કોહલીનું પણ નામ સામેલ

July 17, 2025

બેંગ્લુરૂ : બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારની ગંભીર બેદરકારી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. 

આઈપીએલ 2025માં આરસીબીની જીતની ઉજવણી કરવા બેંગ્લુરૂમાં 4 જૂનના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત નીપજ્યા હતાં. આ દુર્ઘટનાના રિપોર્ટમાં કર્ણાટક સરકારે દર્શાવ્યું છે કે, વિરાટ કોહલીએ વીડિયોમાં પોતાના ચાહકોને ફ્રીમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી. જેના લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નાસભાગ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આરસીબીને જવાબદાર ઠેરવી હતી. આરસીબીએ પોલીસની મંજૂરી વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટરી પરેડની જાહેરાત કરી દીધી હતી. જેથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. 

કર્ણાટક સરકાર દ્વારા બેંગ્લુરૂમાં થયેલી નાસભાગ મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક ગંભીર બેદરકારી અને ગેરવહીવટ થયો હોવાનું જણાવ્યું છે. મંજૂરી વિના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક DNA Networks Pvt. Ltd એ 3 જૂનના રોજ પોલીસને આ કાર્યક્રમની માત્ર સૂચના આપી હતી. પરંતુ 2009ના આદેશ અનુસાર તેમણે અનિવાર્ય કોઈ મંજૂરી લીધી ન હતી. જેથી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.

બેંગ્લુરૂ પોલીસે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખતાં વિક્ટરી પરેડને મંજૂરી આપી ન હતી, તેમ છતાં આરસીબીએ સોશિયલ મીડિયા પર ચાર જૂનના રોજ જાહેરમાં ઈવેન્ટનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ પોતાના ચાહકોને મફતમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી.