ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં, IOCમાં પાકિસ્તાનની રોકકળ

July 18, 2025

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાન સતત રોકકળ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાને 52 મુસ્લિમ દેશોના સંગઠન IOCની બેઠકમાં પણ સિંધુ જળ સંધિના રોતડા રોયા છે. સાઉદી અરેબિયાના જેદ્દામાં આઈઓસીના હ્યૂમન રાઈટ્સ કમિશનરની બેઠક યોજાઈ હતી, જેમાં હાજર રહેલા પાકિસ્તાને રાઈટ ટૂ વૉર’નામના સેશનમાં કહ્યું કે, ભારત અમારા અધિકારોનું હનન કરી રહ્યું છે.


પાકિસ્તાની ઉર્દૂ ભાષાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના રિપોર્ટ મુજબ, આઈઓસીની બેઠકમાં પાકિસ્તાના પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે કહ્યું કે, ભારતે સિંધુ જળ સંધિ અટકાવાનો એકતરફી નિર્ણય લીધો છે, આવું કરી ભારતે વર્લ્ડ બેંકની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. પાણી અમારો મૂળ અધિકાર છે, પરંતુ ભારત તેને છિનવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે પહેલેથી જ પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભારતમાંથી પસાર થતી નદીઓમાં પાણી ઘટશે તો અમે મુશ્કેલીમાં મુકાઈ જઈશું, અમારા વિસ્તારોમાં જળવાયુ સંકટ ઉભી થઈ જશે, પાણીની અછત સર્જાશે, જેના કારણે ખેતીથી લઈને તમામ જરૂરી ચીજવસ્તુઓ પર ખતરો ઉભો થશે.’


ફવાદે કહ્યું કે, અમે સિંધુ જળ સંધિનો મામલો આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવીશું. અમારા માટે પાણી ખૂબ જ મોટી સમસ્યા છે.’ પાકિસ્તાની આઈઓસીની બેઠકમાં ભારતની કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો છે, જોકે આ મામલે સંગઠન તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરીને ભારત સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી.