ચીન દ્વારા LACને પાર સરહદી વિસ્તારોમાં નવાં ગામડાઓનો જમાવડો

May 27, 2023

ભારત સાથે સરહદી વિવાદ ઉકેલવા મંત્રણાનું નાટક કરતા ચીન દ્વારા તેની અવળચંડાઈ સતત ચાલુ રાખવામાં આવી છે. ચીન દ્વારા LACની પેલે પાર ઝડપથી મોડેલ ગામ અને સરહદી ગામડા બનાવાઈ રહ્યા છે. ત્યાં મોટાપાયે લોકોને વસાવવાનાં તેમજ લશ્કરી થાણા ઊભા કરવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે.

ઉત્તરાખંડમાં બારાહોતીની સામે ચીન તરફની સરહદો પર 90થી 100 દિવસમાં જ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ બાંધવામાં આવી રહ્યા છે જ્યાં 300થી 400 ઘર બનાવવામાં આવ્યા છે. ચીનની ભાષામાં આવા ગામને ઝિયાંગકાઓ કહેવામાં આવે છે જે તમામ રીતે સુવિધાથી સજ્જ અને સમૃદ્ધ હોય છે.

કેટલાક સરહદી વિસ્તારોમાં મલ્ટિસ્ટોરી મિલિટરી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે જે તમામ સુવિધાથી સજ્જ કરાયા છે. ચીનના સૈનિકો દ્વારા આ વિવાદિત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પહેલા આ વિસ્તારોમાં મોસમમાં એક જ વખત પેટ્રોલિંગ કરાતું હતું ત્યાં હવે દર 15 દિવસે પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

પીપલ્સ લિબરેશન આર્મીનાં જવાનો દ્વારા કેટલાક વિસ્તારોમાં 15 દિવસ કરતા ઓછા ગાળામાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. પહેલા અહીં સીઝનમાં એક જ વખત કે ત્રણ-ચાર મહિનામાં એક વખત પેટ્રોલિંગ કરાતું હતું.