દિલ્હી બ્લાસ્ટઃ ફરીદાબાદના શંકાસ્પદ વિસ્તારોમાં 1000 જવાનનું મેગા સર્ચ, મૃત્યુઆંક 12

November 11, 2025

દિલ્હી   : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં આઠ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બીજીતરફ I-20 કાર માલિકીની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, આજે સવારે પણ ફરીદાબાદના અંતરિયાળ વિસ્તારોમાં 1000 જવાનને મેગા સર્ચ માટે ઉતારવામાં આવ્યા છે.  

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફરીદાબાદ પોલીસે પણ ગામમાં મેગા ઓપરેશન ચલાવ્યું છે. ફરીદાબાદ પોલીસ ધૌજ, ફતેહપુર તગામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અલ ફલાહ મેડિકલ કોલેજમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સમગ્ર ઓપરેશનમાં 1000 થી વધુ પોલીસ કર્મીઓ સામેલ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ પણ સામેલ છે. 

દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 12 થઇ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે. 

ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે જયું તેનાથી હચમચી ગયા છીએ. આશા છે કે ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના. સુરક્ષાદળ અને બચાવ ટીમે સારું કામ કર્યું. 

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટી કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. 

દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.