સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી

April 12, 2025

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન અને ભવિષ્યના તમામ જજે સંપત્તિની વિગતો વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માના ઘરેથી આગની ઘટના સમયે કરોડો રૂપિયા રોકડા મળવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જોકે હજુ સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફક્ત 12 ટકા જજે સંપત્તિની વિગતો જાહેર કરી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની વેબસાઇટ પર જજ દ્વારા સામે ચાલીને જાહેર કરાયેલી સંપત્તિની વિગતો મુજબ 11 એપ્રિલ 2025 સુધી 11.94 ટકા જજે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના 33માંથી 30 જજોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી દીધી પણ કેટલીક ટેક્‌નિકલ ખામીને કારણે આ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર નથી કરી શકાય તેવો દાવો કરાયો છે. જોકે હજુ સુધી સુપ્રીમ કોર્ટના એક 33માંથી એક પણ જજની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ જ નથી. 
જ્યારે હાઇકોર્ટના 762 જજમાંથી 95ની એટલે કે 12.46 ટકા જજની સંપત્તિની વિગતો કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જ્યારે 19 હાઇકોર્ટ એવી છે કે જેમના જજની સંપત્તિની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. જેમાં સૌથી મોટી 81 જજો ધરાવતી અલ્લાહાબાદ હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ આવી અન્ય હાઇકોર્ટમાં બોમ્બે, કલકત્તા, ગુજરાત, પટણા હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે.  કેરળ હાઇકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં અગ્રેસર રહ્યા છે. કેરળ હાઇકોર્ટના 44માંથી 41 જજે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી.