અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ

May 17, 2025

ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર (16 મે)થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે. જે એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચાડી દેશે. પ્રાદેશિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવે સ્ટાર ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન મેળવ્યું છે.  દીવમાં NRI લોકો વધુ હોવાના કારણે વારંવાર પાસપોર્ટના કામ માટે ગોવા જવાનું હોવાથી આ ફ્લાઇટથી લોકોને રાહત મળી છે. અમદાવાદથી દીવની આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં લેન્ડ થશે. દીવથી પરત ફરતી વખતે ફ્લાઇટ સવારે 11:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ સર્વિસ માટે સ્ટાર એરના 50-સીટવાળા એમ્બ્રેર ERJ-145 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ઉડે દેશ કા આમ નાગરિક (UDAN)’ યોજના હેઠળ આ નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે.