‘મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં...' મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું ઈફ્તાર પાર્ટીમાં મોટું નિવેદન

March 22, 2025

મુંબઈમાં યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે સામાજિક સદ્ભાવનાના મહત્ત્વનો ઉલ્લેખ કરી ભારપૂર્વક કહ્યું કે, ‘મુસ્લિમોને ડરાવવાનો અને સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓને કડકાઈથી જવાબ અપાશે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. અજિત પવારે (Ajit Pawar) મુસ્લિમ સમાજને સમર્થન આપવાનું આશ્વાસન આપી કહ્યું કે, ‘જો કોઈ અમારા મુસ્લિમ ભાઈ-બહેનોને ડરાવવાની અથવા સાંપ્રદાયિક વિવાદ ઉભો કરવાની હિમ્મત કરશે તો તેને છોડવામાં નહીં આવે. હોળી, ગુડી પડવા અને ઈદ જેવા તહેવારો એકતાને પ્રોત્સાહન આપે છે.’ છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, જ્યોતિબા ફુલે અને અન્ય અનેક મહાન નેતાઓએ પણ તમામ ધર્મો અને જાતિઓને સાથે રાખીને સામાજિક પ્રગતિનો માર્ગ દેખાડ્યો છે, તેથી આપણે આ વિરાસતને આગળ વધારવાની છે. ભારત એકતા અને વિવિધતાનું પ્રતિક છે. આપણે તાજેતરમાં હોળીની ઉજવણી કરી અને હવે ગુડી પડવા અને ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારો આપણને સાથે રાખવાનું શિખવાડે છે. આપણી અસલી તાકાત એકતામાં છે.’