ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં

January 22, 2025

ગુજરાતમાં હાલ ઠંડીએ વિરામ લીધો છે. પરંતુ જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાને પગલે હૃદયની ઈમરજન્સીના કેસમાં પણ વધારો થયો હતો. જાન્યુઆરીના 20 દિવસમાં 5144 વ્યક્તિને હૃદયની ઈમરજન્સીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પૈકી 13 જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 20 ટકાથી વધુનો વધારો થયો હતો.

ગયા વર્ષના પ્રથમ 20 દિવસની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં સૌથી વધુ વધારો થયો તેમાં છોટા ઉદેપુર 65.63 ટકા સાથે મોખરે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં 1241 જ્યારે આ વર્ષે 1543ને હૃદયની ઈમરજન્સીના કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 24.34 ટકાનો વધારો થયો છે. 

આ વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં અમદાવાદમાંથી દરરોજ સરેરાશ 77 દર્દીને હૃદયની સમસ્યાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ સુરતમાં 17.66 ટકા, રાજકોટમાં 14.53 ટકા, વડોદરામાં 12.50 ટકા ભાવનગરમાં 29.41 ટકા જેટલો વધારો થયો હતો.