'દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઇ...', IIT દિલ્હીના વિદ્યાર્થીના મોત પર અભિજિત દીપકે ભડક્યો

August 29, 2026

કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકે દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સમગ્ર દેશનું શિક્ષણ તંત્ર સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યું છે. IIT દિલ્હીના 31 વર્ષીય વિદ્યાર્થી ઋષિકેશ કુમારની આત્મહત્યાની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, દેશમાં એવા વાતાવરણની અત્યંત જરૂરિયાત છે. જ્યાં વિદ્યાર્થીઓને ભય ન લાગે અને તેમને પૂરતું સમર્થન મળે. 22 ઓગસ્ટે લેક્ચર હોલ કોમ્પ્લેક્સના 6ઠ્ઠા માળેથી પડતાં ઋષિકેશનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ મુક્તા ગુપ્તા અને AIIMSના પ્રોફેસર પ્રતાપ શરણની સમિતિ બનાવવામાં આવી છે. અભિજિત દીપકે દેશના સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાનોની હાલત પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, IIT જેવી સંસ્થાઓ દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ ગણાય છે. પરંતુ વિતેલા વર્ષોમાં આવી જ IIT સંસ્થાઓમાં 65 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા આપણા શ્રેષ્ઠ સંસ્થાઓની આંતરિક સ્થિતિ છતી કરે છે. અત્યારે વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ અને માનસિક તણાવ સામે લડવા માટે એકલા છોડી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં ભવિષ્યને લઈને ઘર કરી ગયેલા ભયને દૂર કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયો છે. શિક્ષણ સિવાયના મુદ્દે વાત કરતા અભિજિત દીપકે સુભાષ ચંદ્રા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે સુભાષ ચંદ્રાના 22,000 કરોડ રૂપિયાના જંગી દેવાને સેટલ કરીને માત્ર 6 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું. શું દેશના કોઈ સામાન્ય નાગરિકને આવી રાહત મળી શકે? જો સામાન્ય માણસ પાસે 50 લાખ રૂપિયાની હોમ લોન હોય તો શું બેંક 50 હજાર રૂપિયા લઈને બાકીનું દેવા માફ કરે છે? સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પર પણ વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે આટલું મોટું દેવા સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવ્યું છે.