ઇલોન મસ્કની સ્પેસએક્સ 25થી 30 અબજ ડોલરનો IPO લાવશે : રિપોર્ટ

December 15, 2025

ન્યૂયોર્ક: ઈલોન મસ્કની સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ ૨૦૨૬માં ઈતિહાસ રચશે. રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ આવતા વર્ષે પબ્લિક કંપની બનશે. કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બ્રેટ જ્હોનસને શેરહોલ્ડર્સને લખેલા લેટર અનુસાર કંપનીએ સેકન્ડરી શેરનું વેચાણ શરૂ કર્યું છે. જેના દ્વારા કંપનીનું મૂલ્ય ૮૦૦ બિલિયન ડોલર એટલે કે, રૂ. ૭૨,૪૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ આંકવામાં આવ્યું છે. આ સાથે જ ઈલોન મસ્કની કંપની વિશ્વના સૌથી મોટા આઈપીઓ સાથે રેકોર્ડ બનાવી શકે છે.  ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સનો સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસ અને તેનો ચંદ્ર અને મંગળ મિશન માટેનો સ્ટારશિપ રોકેટ પ્રોગ્રામ વૈશ્વિક નામના મેળવી ચૂક્યા છે. કંપનીના સીએફઓના લેટરમાં સ્પષ્ટ થયું છે કે, કંપની રોકાણકારો પાસેથી ૪૨૧ ડોલર પ્રતિ શેરના ભાવે ૨.૫૬ બિલિયન ડોલર (રૂ.૨૩,૧૬૮ કરોડ)ના શેર ખરીદશે. સ્પેસએક્સનો ટારગેટ સ્પેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટરો તેનાત કરવાનો, સ્ટારશિપના ફ્લાઈટ રેટ વધારવાનો, મૂનબેઝ આલ્ફા બનાવવા અને મંગળ પર ક્રૂ સાથેનું અને ક્રૂ વગરનું મિશન મોકલવા માટે કેપિટલનો ઉપયોગ કરવાનો છે. મળતી માહિતી મુજબ, રોકેટ અને સેટેલાઈટ કંપની જૂનની શરૂઆતમાં ૨૫ બિલિયન ડોલર (રૂ. ૨.૨૬ લાખ કરોડ)નો આઈપીઓ લાવી શકે છે. સ્પેસએક્સના સંભવિત આઈપીઓનું રોકાણકારોએ સ્વાગત કર્યું હતું.  આ આઈપીઓ મસ્કના મંગળ મિશનને હકીકત બનાવી શકે છે. આઈપીઓ બાદ કંપનીનું મૂલ્ય રૂ. ૯૦.૫ લાખ કરોડથી વધુ અંકાશે. ક્રંચબેઝના ડેટા અનુસાર, ચેટજીપીટી મેકર ઓપનએઆઈ પછી સ્પેસએક્સ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ સ્ટાર્ટઅપ છે. આઈપીઓ તેમના પ્રાઈવેટ હિસ્સાને મૂલ્યવાન બનાવશે. ટેસ્લા અને અન્ય બિઝનેસના પોર્ટફોલિયોમાં ઉમેરો થશે. બ્લૂમબર્ગનું બિલ્યોનેર્સ ઈન્ડેક્સ મસ્કના હાલના નેટવર્થને લગભગ ૪૬૦.૬ અબજ ડોલર દર્શાવે છે. જેમાંથી આશરે ૧૩૬ અબજ ડોલર તેમના સ્પેસએક્સના હિસ્સાને આભારી છે. જો સ્પેસએક્સ લગભગ ૧.૫ ટ્રિલિયન ડોલર પર લિસ્ટ થાય તો જાણકારોના મતે, તેનું શેરહોલ્ડિંગ ૬૨૫ અબજ ડોલર થઈ જશે. જે કાગળ પર એક જ ધડાકે ૪૯૦ અબજ ડોલર ઉમેરશે. આઈપીઓ મસ્કની સંપત્તિને લગભગ ૯૫૨ અબજ ડોલર સુધી લઈ જશે. સ્પેસએક્સના શેરના ભાવમાં વધારો પહેલા દિવસે અથવા પહેલા અઠવાડિયામાં જ મસ્કની સંપત્તિને ટ્રિલિયન ડોલર પાર લઈ જશે. સ્પેસએક્સ વૈશ્વિક એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત હાજરી ધરાવતી લિસ્ટેડ કંપનીઓની યાદીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ભારે મૂડી રોકાણની જરૂરિયાત અને તકનીકી અવરોધોને કારણે એરોસ્પેસની ગણતરી ખર્ચાળ સેક્ટર તરીકે થતી હતી. બોઈંગ કોમર્શિયલ એવિએશિન, ડિફેન્સ અને સ્પેસમાં કાર્યરત છે. તેઓ નાસાના આર્ટેમિસ પ્રોગ્રામમાં પણ સામેલ છે. યુરોપનું એરબસ ડિફેન્સ અને સ્પેસ યુનિટ તરીકે વૈશ્વિક સ્તરે કાર્યરત છે. યુએસ ડિફેન્સ જાયન્ટ્સ લોકહીડ માર્ટિન કોર્પ અને નોર્થોપ ગુ્રમેન કોર્પ ડીપ-સ્પેસ મિશનથી લઈને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને સેવા આપતા કાર્ગો સ્પેસક્રાફ્ટ સુધીની ક્ષમતાઓ ધરાવે છે. રોકેટ લેબ કોર્પ નાના સેટેલાઈટ્સ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૭૪ ઈલેક્ટ્રોન લોન્ચ કર્યા હતા. જેઓ પ્રાઈવેટ ઓપરેટરોમાં સ્પેસએક્સ બાદ બીજા નંબરે છે. બ્રિટિશ અબજોપતિ રિચાર્ડ બ્રેન્સનની વર્જિન ગેલેક્ટીક હોલ્ડિંગ્સ ઈન્ક પ્રાઈવેટ કસ્ટમર્સ માટે સબઓર્બિટલ ફ્લાઈટ્સ સાથે સ્પેસ ટુરિઝમ માર્કેટને ટારગેટ કરી રહ્યું છે.