ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો

November 29, 2025

જમ્મુ-કાશ્મીરમાં ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સરકારી જમીન પર બનેલા પત્રકાર અરફાઝના ઘરને તોડી પડાતા, લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. શુક્રવારે હિન્દુ પાડોશીએ અસરગ્રસ્ત પરિવારને તેમનું ઘર ફરીથી બનાવવા માટે પ્લોટ ભેટમાં આપ્યો છે. કુલદીપ કુમાર અને તેમની પુત્રી તાન્યાએ પત્રકારના પરિવારને ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં પાંચ મરલાનો પ્લોટ ઓફર કર્યો છે. કુમારે કહ્યું કે, 'હું મારી દીકરીના માધ્યમથી પરિવારને પાંચ મરલા જમીન ભેટમાં આપી રહ્યો છું જેથી મારો ભાઈ પોતાનું ઘર ફરીથી બનાવી શકે.' તે બાંધકામમાં પણ મદદ કરશે. પીડિત પરિવારને ભેટ આપવાનો તેમનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે, જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગત શુક્રવારે જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ કથિત રીતે પત્રકાર અરફાઝ અહમદ ડેંગના ઘરને તોડી પાડ્યું હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં રાજકારણ ગરમાયું છે.  PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આ ઉત્તર પ્રદેશ કે દેશનું કોઈ બીજું રાજ્ય નથી જ્યાં લાચાર મુસ્લિમ પરિવારોના ઘરોને નિશાન બનાવવામાં આવે છે અથવા લઘુમતીઓ પર અત્યાચાર હવે સામાન્ય બાબત બની ગઈ છે. આ જમ્મુ-કાશ્મીર છે, જ્યાં અરફાઝે 40 વર્ષ પહેલાં ત્રણ મરલા સરકારી જમીન પર એક સામાન્ય ઘર બનાવ્યું હતું, તેમના ઘરને સેકન્ડોમાં જ ધ્વસ્ત કરી દેવા આવ્યું છે.