લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધુ જંગલ ખાક, 31000 લોકોનું સ્થળાંતર

January 23, 2025

લોસ એન્જલસ : અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી છે. જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થાનોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અમેરિકા માટે આ મોટી ચિંતાનો વિષય છે કેમ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં જ બે વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની હતી જે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહી હતી. 

તાજેતરની આગ લોસ એન્જલસમાં કાસ્ટેઇક સરોવરની નજીક આવેલા જંગલોમાં લાગી છે. આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ લોસ એન્જેલસમાં આવેલ છે. આગની લપેટમાં અત્યાર સુધી 8000 એકર વિસ્તાર આવી ગયો છે. સરોવરની નજીક રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ કરી દેવાયા છે. અત્યાર સુધી 31000થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.  

હાલમાં લોસ એન્જલસમાં ઝડપી અને શુષ્ક પવનો ચિંતા વધારી રહ્યા છે. આગ પણ આ કારણે જ ભડકી રહી છે. તેના લીકે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. એવી પણ આશંકા છે કે આગ વધુ ભડકી શકે છે અને મોટા વિસ્તારને લપેટમાં લઈ શકે છે.