સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત

April 13, 2025

સાબરકાંઠા : સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યું હતું. સગર પરિવારના દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના દંપતીનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ત્રણ બાળકોને જીવન મરણ વચ્ચે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે. જો કે, અચાનક આપઘાતના પ્રયાસના પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચી ગયો છે અને સમાજના લોકો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત બાબતે સમાજ આક્રમક મૂળમાં જોવા મળ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ મેદાને પડ્યો છે. સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે જવાબદાર આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા સમાજે માગ કરી છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.