ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા

September 20, 2023

બૈજિંગ : ચીનના એક સમયના સમર્થ મનાતા વિદેશ મંત્રી ક્વીન-ગાંગને પદથી એકાએક દૂર કરાયા હોવાથી દુનિયાના મહત્ત્વના દેશો ચોંકી ગયા હતા. પરંતુ, હવે ધીમે ધીમે તેનું કારણ બહાર આવી રહ્યું છે. સહજ છે કે ચીન સરકાર તરફથી તો, આ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. સાથે તે પણ સર્વવિદિત છે કે ગત જુલાઈ મહિનામાં ગાંગને એકાએક તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા. એક મિડીયા રીપોર્ટ પ્રમાણે એક તપાસ દ્વારા માહિતી મળી હતી કે તેઓ જ્યારે અમેરિકામાં ચીનના રાજદૂત પદે હતા, ત્યારે તેઓ એક અમેરિકન યુવતી સાથે પ્રેમમાં પડી ગયા હતા. પરિણામે એક સંતાનના પિતા પણ બન્યા હતા. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ ધરેલી તપાસમાં, તેઓની લાઈફ-સ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો બહાર આવી છે. બે લોકોએ કહ્યું હતું કે એક અમેરિકન યુવતિ સાથે થયેલા પ્રેમને લીધે તેઓ એક સંતાનના પિતા પણ બન્યા હતા. હવે વધુ તપાસ તે થઇ રહી છે કે તે પ્રેમ-પ્રસંગને લીધે ચીનની રાષ્ટ્રીય સલામતીની ગુપ્ત વાતો પણ અમેરિકન અધિકારીઓ સુધી પહોંચી હશે કે કેમ ? મહત્ત્વની વાત તે છે કે ગાંગ વિદેશ-મંત્રી પદે તો માત્ર ૭ મહીના સુધી જ રહ્યા હતા. ત્યાં તેઓન ે એકાએક શું કામ તે પદ પરથી દૂર કરાયા તે વિષે અંધારપટ જ છે. ૨૦૨૧માં ગાંગ વોશિંગ્ટન પહોંચ્યા. રાજદૂત પદે રહ્યા હતા. પરંતુ અમેરિકન સંસ્કૃતિથી ખૂબ જ રંગાઈ ગયા હતા. તેઓ અમેરિકાની લોકપ્રિય રમત બેઝ બોલના એક્સપર્ટ પણ બની ગયા. તેઓએ અમેરિકાના અબજોપતિ એલન-મસ્કની સાથે ટેસ્લા ઉપર પણ સફર કરી હતી. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વિદેશીઓના સંપર્કમાં રહેલા તમામની તપાસ ચલાવી રહી છે, તેમાં ચીનની સેનાના અધિકારીઓ પણ સામેલ છે.