ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનના ટેસ્ટમાં નવ હજાર રન પૂરા, આવું કરનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી

November 30, 2024

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને શનિવારે ઈંગ્લેન્ડ સામે ઈતિહાસ રચ્યો છે. તેણે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે બીજી ઈનિંગ દરમિયાન ટેસ્ટમાં નવ હજાર રન પૂરા કર્યા. વિલિયમસન આવું કરનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી છે. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટની ત્રીજી ઇનિંગમાં 26મા રને આ સિદ્ધિ મેળવી હતી. માત્ર 182 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર તે આઠમો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે.

આ રેકોર્ડના સંદર્ભમાં, ફેબ ફોર ખેલાડીઓમાં વિલિયમસન માત્ર સ્ટીવ સ્મિથથી પાછળ છે, જે માત્ર 174 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. આ રીતે વિલિયમસને સૌથી ઝડપી નવ હજાર રન બનાવવાના મામલે જો રૂટ અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે, જેમણે અનુક્રમે 196 અને 197 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાનીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં નોંધપાત્ર સાતત્ય દર્શાવ્યું છે, જ્યાં તેણે 2017થી દર વર્ષે ટેસ્ટમાં 50 થી વધુની સરેરાશ કરી છે. અત્રે નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડના અન્ય કોઈ બેટ્સમેન ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં અત્યાર સુધી આઠ હજાર રન બનાવી શક્યા નથી. વિલિયમસનની વર્તમાન ટેસ્ટ બેટિંગ એવરેજ 55ની નજીક છે, જે રૂટની 50.81 અને કોહલીની 48.13ની એવરેજ કરતાં વધારે છે. ઓછામાં ઓછા 5,000 ટેસ્ટ રન સાથે સક્રિય ખેલાડીઓમાં વિલિયમસન માત્ર સ્મિથથી પાછળ છે, જેની સરેરાશ 56.40 છે.