ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન

December 26, 2024

દિલ્હી :   પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તુરંત દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.

બીજીતરફ કર્ણાટકના બેલગામમાં આવતીકાલે કોંગ્રેસની રેલી યોજાવાની હતી, જોકે મનમોહન સિંહના નિધન બાદ આ રેલી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીએ તેના અનેક કાર્યક્રમો પદ રદ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં  બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ  ભરપૂર  મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન  દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.

1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ  દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ 'આત્માના અવાજ'ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે  2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.  

કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.

આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.