SEBIના પૂર્વ ચીફ માધવી પૂરી બૂચ સામે નોંધાશે FIR

March 03, 2025

મુંબઈની એક કોર્ટે SEBIના પૂર્વ ચીફ માધવી પુરી બુચ અને અન્ય 5 લોકો સામે શેરબજારમાં છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના આરોપસર FIR નોંધવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે માધવી પુરી બુચનો SEBI ચીફ તરીકેનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો અને તેમના સ્થાને ઓડિશા કેડરના IAS તુહિન કાંત પાંડેને નવા SEBI ચીફ બનાવવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2024ના અંતમાં અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગે તત્કાલીન સેબી ચીફ માધવી પુરી બુચ વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિનો અદાણી ગ્રુપના વિદેશી ભંડોળમાં હિસ્સો હતો.

આ ઉપરાંત આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને સેબી વચ્ચે મિલીભગતના આરોપો લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગના આ આરોપો પર પ્રતિક્રિયા આપતા માધવી પુરી બુચ અને તેમના પતિએ કહ્યું કે આ બધા આરોપો પાયાવિહોણા છે. આ સાથે તેમણે કહ્યું કે અમે કોઈ માહિતી છુપાવી નથી અને હિન્ડનબર્ગના આરોપોમાં કોઈ સત્ય નથી.